Tuesday, March 24, 2009

કાકા કેમ ચાલે વાંકા?

હમણાં ‘દિવ્ય ભાસ્કર’માં એક સમાચાર હતા. કોઈક પોલીસને એક ભાઈએ ‘કાકા’ કહ્યું તે પેલા પોલીસને ન ગમ્યું ને તેમણે પેલા ભાઈને માર માર્યો. પેલા પોલીસને મનમાં કદાચ એવી ઈચ્છા હશે કે અમે તો પોલીસદાદા એટલે અમને જમાદારદાદા કહેવું જોઈએ. અથવા તો કદાચ એવું પણ બને કે પેલો ભાઈ આ પોલીસ કરતાં ઉંમરમાં મોટો હોય ને તેણે આ પોલીસભાઈને ‘કાકા’ કહ્યું હોય તેમાં આ પોલીસ ભાઈને ખોટું લાગ્યું હોય તો ખબર નહીં. આમેય પોલીસ, પત્રકાર અને પત્નીને ક્યારે ખોટું લાગે તે કહેવાય નહીં. આમાં મારા એક મિત્ર ઉમેરો કરવા માગે છે કવિ અને કોલમિસ્ટોનો, પણ ‘પ’નો પ્રાસ બેસતો હોવાથી તેમનો ઉમેરો કર્યો નથી, તેવું નથી, પણ એ બીકે ઉમેરો નથી કર્યો કે વળી કદાચ તેમને ખોટું લાગી જાય તો. (ઉમેરો ન કર્યો હોવાથી ખોટું લાગી જાય તેવી સંભાવના પણ છે જ, જે હશે તે, દેખા જાયેગા.)

પણ ઉંમર નાની હોય ને કોઈ તમને ‘કાકા’ કહી જાય તેવી સંભાવના ખરી? પૂરેપૂરી. આ લખનારે પણ અનુભવ્યું છે. પેટ્રોલપંપ પર એક વાર પેટ્રોલ પૂરાવતી વખતે મારાથી દસ વર્ષ મોટા લાગતા એક ભાઈએ મને ‘અંકલ, બાઇક આગળ લાવો’ એમ કહ્યું ત્યારે એક સેકન્ડ તો પેટ્રોલ પર સળગતી દિવાસળી મૂકો ને ભડકો થાય તેમ ભડકો થયો પરંતુ મગજરૂપી ફાયર બ્રિગેડમાંથી પાણી છૂટ્યું ને ભડકો શાંત થયો એટલે મેં સામે કહ્યું : હા દાદા, લાવું છું. એટલે પેલા ભાઈ શાંત પડી ગયા.

મારા સ્વ. પિતા જેને હું ભાઈ કહેતો (એ વખતે, પપ્પા અને મમ્મી કહેવાનો રિવાજ નહોતો) તેમની બેન્કમાં એક મેનેજર હતા તે બધાને દાદા કહેતા. મેનેજર મારા ભાઈ સહિત અન્ય ઘણા બધા કર્મચારીઓથી ઉંમરમાં નાના હતા, એ વાત સાચી, પણ એ ઉંમરનો તફાવત દાદા ને પૌત્ર વચ્ચે ઉંમરનો તફાવત હોય એવડો પણ નહોતો કે એ બધા પોતાને દાદા કહેવડાવવા તૈયાર થાય. મહારાષ્ટ્ર હોય તો હજુ સમજી શકાય કે ત્યાં મોટા ભાઈને નાના ભાઈ કે બહેનો દાદા કહે છે. પણ સૌરાષ્ટ્રમાં તો દાદાનો અર્થ પિતાના પિતા કે પિતાના પિતાની ઉંમરના વડીલ થાય.

એવું લાગે કે મૂળ તો આમાં માનવનો સામેવાળી વ્યક્તિનો માનભંગ કરવાનો ઈરાદો રહેલો હોય છે. મોટી ખુરશી પર બેઠેલા હોય કે નાનું કામ કરતા હોય, દરેકની ઈચ્છા તો સામેવાળાનું માનભંગ કરવાની હોય છે જ. એટલે એક યા બીજી રીતે માનભંગ કરવું એવી અશોભનીય પ્રવૃત્તિમાં માનવ રાચવા લાગે છે.

ઘણી ઓફિસોમાં ‘સાહેબ’ કહીને પણ આ પ્રવૃત્તિ કરાતી હોય છે. મારી જૂની ઓફિસ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં જો સાચા સાહેબ તમને ‘સાહેબ’ કહે તો નવો નવો આવેલો માણસ ખુશ થતો પણ પછી તેને ખબર પડતી કે આ સંબોધન ચેતવણીરૂપ છે. આપણાથી કંઈક ભૂલ થઈ છે અને આપણા સાચા અર્થમાં સાહેબ સાહેબ કહીને તેઓ ભૂલ (એ ભૂલ ન હોય તો માની લેવાનું, કેમ કે સાહેબ કહે છે એટલે ભૂલ હોય જ, બોસ કેન નેવર બી રોંગ!) પ્રત્યે ધ્યાન દોરવા માગે છે અને જો નહીં ચેતીએ તો પછી કેવા કેવા સંબોધન આવશે તેની કલ્પના કરી લેવી.

ઘણી જગ્યાએ આવા (અપ)માનવાચક સંબોધનમાં ‘વડીલ’ એવા સર્વનામનો ઉપયોગ થતો હોવાનું પણ (નહીં લખાયેલા) ઇતિહાસનાં પૃષ્ઠો પર જોવા મળે છે. આ ઉપરાંત ક્યાંક ક્યાંક ‘મુરબ્બી’નો પ્રયોગ પણ થતો હોવાનું આ પૃષ્ઠો પર નોંધાયેલું હોવાનું જાણકારો કહે છે.

જોકે અમદાવાદમાં તો ‘બોસ’ અને ‘પાર્ટી’ આ બંને સર્વનામો પક્ષો દ્વારા અપાતા વચનોની જેમ છૂટથી વપરાય છે. ‘બોસ’ સંબોધન પેલા ‘સાહેબ’ જેવું જ છે. પણ ‘પાર્ટી’ સંબોધન મને ક્યારેય નથી ગમ્યું કેમ કે એમાં સ્ત્રી હોય કે પુરુષ,બધાં જ સ્ત્રીલિંગ બની જાય છે. ક્યાંય તમે સાંભળ્યું કે, પાર્ટી આવી ગયો છે! પાર્ટી આવી ગઈ છે, એમ જ કહેવાય છે.

એટલે પાર્ટી સંબોધન, (હવે ઇતિહાસમાં સ્થાન પામી ચૂકેલી ભણવાની) પાટી ઉપાખ્યે સ્લેટની જેમ માથામાં વાગે છે, શું કહો છો, ‘સાહેબ’!