Thursday, February 26, 2009

માન ન માન, તૂ મેરા રહેમાન!

‘સ્લમડોગ...’ને આઠ ઓસ્કર મળી ગયા છે અને રહેમાનને બે. એક ઇતિહાસ રચાઈ ચૂક્યો છે. જ્યારે પણ ઓસ્કરની વાત નીકળશે ત્યારે રહેમાનની વાત નીકળશે. ઘરઆંગણે રહેમાનનાં ગુણગાન ગવાતાં જ હતા, પણ એવોર્ડ મળ્યા પછી તો પ્રસારમાધ્યમોએ રહેમાન સંગીતનો દેવતા છે તેમ કહેવામાં જ બાકી રાખ્યું છે. પણ દિલીપકુમારમાંથી એ.આર.રહેમાન બની ગયેલા રહેમાનના સંગીતમાં, જેટલી પ્રશંસા થાય છે તેવો જાદુ ખરેખર છે ખરો એ આ જ તબક્કે તપાસવું જોઈએ.

રહેમાનને સંગીતકાર તરીકે આવ્યાને જુમ્મા જુમ્મા સોળ વર્ષ થયાં છે. આ સોળ વર્ષમાં તેણે તમિલ, તેલુગુ વગેરે દક્ષિણની અને હિન્દી ફિલ્મો સહિત 106 ફિલ્મો કરી છે તેમ આઇએમડીબી કહે છે. કેટલાં વર્ષ થયાં કે કેટલી ફિલ્મો આપી તે સફળતાની પારાશીશી ન જ ગણાય, પણ આ દરમિયાન કેટલી ધૂનો રિપીટ કરી તે તો પારાશીશી ગણાય જ ને.અને તમિલ ફિલ્મની ધૂન હિન્દીમાં રિપીટ કરવી તે ભલે ચોરી નથી તો પણ પ્રશંસાની બાબત પણ નથી. કેટલાક ગુજરાતી કટારલેખકો જેમ અમુક તહેવાર કે પ્રસંગ બને ને ચોક્કસ પ્રકારનું એકનું એક લખાણ ફરી થોડા ફેરફાર સાથે છાપવા આપી દે તેવું જ થયું. તમિલ ધૂન સાંભળી ન હોય એટલે દક્ષિણની ફિલ્મોના દર્શક સિવાયનાને ખબર ન હોય, એટલે સ્વાભાવિક જ આપણે તે ધૂનથી પ્રભાવિત થઈ જઈએ. એક વાર સર્ફિંગ કરતાં કરતાં તમિલ મૂવી ચેનલ જોઈ ત્યારે ગીતની ધૂન સાંભળી ચોંકી જવાયું. (2000ની આસપાસની વાત છે.) એ ધૂન 1947 અર્થના રુત આ ગઈ રે (ગાયક - સુખવિંદરસિંહ, બીજું કોણ?) ગીતની બેઠી ધૂન હતી. હિન્દીમાંથી તમિલમાં કોપી થાય તેવું બહુ ઓછું બને છે.

ધૂનચોરી રહેમાને નથી કરી તેવું નથી. તેના દાખલા આપીએ તે ઓછા છે. સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાને રહેમાનને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા પછી આપેલા એક ઇન્ટરવ્યૂમાં એકદમ બરાબર તાર પકડ્યો હોય તેમ તેઓ કહે છે, રહેમાન આપણા માટે ગૌરવરૂપ છે, પણ તે ભારતનો મહાન ફિલ્મસંગીતકાર છે તેમ ન કહી શકાય. તેઓ દાવો કરે છે કે રહેમાને દિલ સેના ગીત એ અજનબી (આ લખનારના મતે ઉદિત નારાયણના પરિપક્વ અવાજમાં તે બહુ જ સુંદર રચના બની છે)ની ધૂન શંકર-જયકિશનના સંગીતમઢેલા ગીત મંઝિલ વોહી હૈની બેઠી નકલ છે. આગળ વધીને તેઓ એમ કહે છે કે દિલ સેના જ બહુ વખણાયેલા (તેના શબ્દો કે અર્થ જેમને સમજાય તે મને સમજાવવા વિનંતી. ગુલઝારસાહેબની પ્રશસ્તિના સંદર્ભમાં પણ લખવું છે, પણ તે નિરાંતે.) ગીત છૈયાં છૈયાં એ શ્રી 420ના રમૈયા વસ્તાવૈયાની સીધી નકલ છે, રહેમાને માત્ર લય (બીટ) ઝડપી કરી નાખ્યો છે એટલું જ.

રહેમાનની ઉઠાંતરીકળાનો તાજો નમૂનો જોઈએ છે? બહુ વખણાયેલી ફિલ્મ ગઝિનીના ગીત- કૈસે મિલ ગયે મુઝે તુમ-ને જરા યાદ કરો. કંઈ યાદ આવ્યું? અરે ગીતમાં શરૂઆતમાં જ આવતો આલાપ તો સુભાષ ઘઈની યુવરાજમાં આજા મૈં ફનાઓ મેં બિઠા કે લે ચલૂં તુજ કો ગીતમાં આવતો આલાપ જ છે, તેવું લાગ્યું ને. હવે આલાપ પછી ગાયકના અવાજે કૈસે મુઝે તુમ મિલ ગયી ધૂન સાંભળો. યસ,આ ધૂન તો સાંભળેલી છે. મગજને થોડું કસો. એ ધૂન તો 2001માં આવેલી ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેંના કૈસે મૈં કહૂં તુજ સે, રહેના હૈ તેરે દિલ મેંને ઘણી મળતી આવે છે. એ ફિલ્મમાં સંગીત દક્ષિણના જ હરીશ જયરાજનું હતું. અને હરીશ (તેના સ્પેલિંગ પ્રમાણે તો હર્રીશ લખવું જોઈએ.) જયરાજ એક સમયે રહેમાનનો સહાયક હતો. એટલે હરીશે તમિલ ફિલ્મમાં રહેમાને આપેલી ધૂનની ઉઠાંતરી રહેના હૈ તેરે દિલ મેં વખતે કરી હતી કે કેમ તે જાણવું પડે, પણ જો તેમ ન હોય તો, શેમ ઓન યૂ રહેમાન ફોર લિફ્ટિંગ યોર ઓન વન ટાઇમ આસિસ્ટન્ટ્સ ટ્યૂન!

રહેમાનના સંગીતને તોલવા માટે તેની કારકિર્દીના લેખાજોખા લેવા જોઈએ. તેણે શરૂઆત રોજાથી કરી. આવતાની સાથે તે છવાઈ ગયો. (ક્રેડિટ ગોઝ ટૂ મિડિયા). તેણે જેટલી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં કેટલી સંગીતની રીતે પણ સફળ રહી? (કમર્શિયલ સક્સેસની વાત જવા દો.) રોજા, રંગીલા, બોમ્બે, દૌડ (અલબત્ત,તે ટિકિટબારીએ તો ઊંધા મોંઢે પડકાઈ હતી.), જીન્સ, દિલ સે, તાલ, અર્થ, લગાન, સાથિયા, સ્વદેશ, રંગ દે બસંતી, ગુરુ, જોધા અકબર, જાને તૂ યા જાને ના. ધેટ્સ એન્ડ! અને સંગીતની રીતે નિષ્ફળ રહેલી ફિલ્મોની વાત તો કોઈ કરતું જ નથી. યાદી ગણવી હોય તો શરૂ કરો. જેન્ટલમેન, ઇન્ડિયન, વિશ્વવિધાતા, ડોલી સજા કે રખના, કભી ના કભી, લવ યૂ હંમેશાં, તક્ષક, પુકાર, ઝુબૈદા, વન ટૂ કા ફોર (એ વળી કઈ ફિલ્મ? શાહરુખ અને જૂહીની નોંધ પણ ન લેવાયેલી ફિલ્મ), નાયક, ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ, તહઝીબ, લકીર, મીનાક્ષી, યુવા, કિસના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ધ રાઇઝિંગ : બલાડ ઓફ મંગલ પાંડે, દિલ્લી 6. લગભગ 15 હિટ ફિલ્મો અને 20 નિષ્ફળ ફિલ્મો (એ પણ સંગીતની રીતે.)

એની સામે લગભગ 30 વર્ષ અને 463 ફિલ્મોમાં સંગીત આપનાર લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત જો તોલવામાં આવે તો સો રહેમાન મૂકો તો પણ એલ.પી. કે ફોર ધેટ મેટર, આર.ડી. બર્મનનું પલ્લું ઝૂકેલું જ રહે. અને ઓછી ફિલ્મોમાં ઉત્તમ સંગીત આપનાર, ક્રિકેટની ભાષામાં કહીએ તો, સારી સ્ટ્રાઇક રેટ ધરાવનાર, ખય્યામ, સલીલ ચૌધરી, હેમંતકુમાર, રોશન કે તેમના સુપુત્ર રાજેશ રોશનની બરોબરી કરવાનું પણ રહેમાનનું ગજું નથી. શંકર-જયકિશન, સચિન દેવ બર્મન જેવા ધૂરંધરોની તો વાત જ ક્યાં કરવી? બીજું કંઈ નહીં, તોય ધૂનચોર તરીકે બહુ વગોવાયેલા અનુ મલિકને પણ રહેમાને હંફાવવાના બાકી છે. (એ આજે 29 વર્ષ પછી પણ યુવાનોને ગમે તેવું, રહેમાન જે પ્રકારનું સંગીત આપે છે તેવું, મૈં ટલ્લી હો ગઈ ગીત આપી શકે છે, જોકે એને સારું કહેવાય કે કેમ તે બાબતે શંકા છે, પણ તોય...) અનુ મલિકે એક જાન હૈં હમ, સોહની મહિવાલ, ગંગા જમુના સરસ્વતી (સાજન મેરા ઉસ પાર હૈ-ગીત પર તો જાન પણ કુર્બાન!), આવારગી (મોહમ્મદ અઝીઝ અને લતાનાં બે ગીતો : એ મેરે સાથિયા અને બાલી ઉમરને મેરા હાલ વો કિયા, આ હા હા, મર જાવાં!), રાધા કા સંગમ (ઓ રાધા તેરે બિના તેરા શ્યામ હૈ આધા), ફિર તેરી કહાની યાદ આઈ, બાઝિગર, સર, મૈં ખિલાડી તૂ અનાડી, ઇમ્તિહાન (ઇસ તરહ આશિકી કા અસર છોડ જાઉંગા), અકેલે હમ અકેલે તુમ, ઘાતક (કોઈ જાયે તો લે આયે), ઇશ્ક, કરીબ (ધીરે ધીરે નઝરેં મિલી ગીત તો 50થી 60ના દશકની યાદ અપાવે તેવું ગીત હતું), મુઝે કુછ કહેના હૈ, યાદેં, અસોકા (રાત કા નશા અભી આંખ સે ગયા નહીં), અજનબી (તૂ સિર્ફ મેરા મહેબૂબ), મૈં પ્રેમ કી દીવાની હૂં, મર્ડર, મૈં હૂં ના (બધા જ ગીતો, પણ કવ્વાલી તુમ સે મિલ કે દિલ કા જો હૈ હાલ ક્યા કહેં અને સ્વીટેસ્ટ વોઇસ અભિજીતના અવાજવાળું, તુમ્હેં જો મૈંને દેખા), સાવ નિષ્ફળ ગયેલી પણ સંગીતની રીતે ખૂબ જ સુંદર ફિલ્મ એલઓસી, મુન્નાભાઈ એમબીબીએસ, નો એન્ટ્રી (ટાઇટલ ગીતની ધૂન આખી ફિલ્મમાં રિપીટ થયા કરે અને કેવી ફની લાગે, રહેમાને કોઈ કોમેડી ફિલ્મમાં આવી ધૂન આપવાનો પડકાર ઉપાડવો જોઈએ), ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરની નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ જાન-એ-મન, ઉમરાવજાન...યાદી બહુ મોટી છે.

જોકે અનુ મલિકની જે નબળાઈ છે તે રહેમાનની પણ છે...પોતે સારો ગાયક ન હોવા છતાં ફિલ્મોમાં ગાયા કરે છે. કોઈ પણ સંગીતનો ઠીક-ઠીક જાણકાર પણ એ વાત કબૂલશે કે રહેમાન સારો ગાયક નથી. ઊંચા સૂરમાં તો તેનો અવાજ ફાટી જાય છે. બીજું એ કે તેને હિન્દી ઓછું સમજાતું હોય તેવું મને લાગે છે. અને એટલે જ તેણે ગાયેલાં ગીતોમાં એ ભાવ નથી આવી શકતો જે આવવો જોઈએ. ઉચ્ચારણ જ બરાબર નહીં. રામગોપાલ વર્માની ઉત્તમ કોમેડી ફિલ્મ દૌડની એ વખતે ટીવી પર આવતી જાહેરખબર યાદ છે? તેમાં જે રીતે રહેમાન દ્વારા ગવાયેલું (કે બોલાયેલું?) દૌડ રજૂ થતું તે એમ જ સંભળાય...દા...ઉ...દ! અને આ મજાક નથી! ગીત તો દિલ સે જ ગવાવું જોઈએ, મિ. રહેમાન! નહીં તો તેની મજા મરી જાય. તેના સંગીતમાં બીજી એક ખામી એ છે કે શબ્દો પર લય હાવી થઈ જાય છે. તેનાં ગીતોના શબ્દો કેટલા યાદ છે? બોમ્બેના એક હો ગયે હમ ઔર તુમ...ગીત બહુ વખણાય છે. પણ તેને ગાયું છે ગાયનમાં રહેમાનના જ ભાઈ રેમો ફર્નાન્ડિઝે. એટલે એક હો ગયે હમ્મા તુમ એવું સંભળાય. આ ગીતના શબ્દો કેટલા યાદ છે? ચાલો, લેટેસ્ટ ઉદાહરણ આપું. માહિયા માહિયા...ગીત જ લઈ લો. ગુરુના ઉત્તમ કોરિયોગ્રાફ્ડ એવા આ ગીતના શબ્દો યાદ છે?

રહેમાનના આટલાં ગુણગાન ગવાય છે તેની પાછળ તેના મિડિયોકર સંગીત ઉપરાંત તેની નોનકન્ટ્રોવર્સિયલ ઇમેજ પણ છે. ઉપરાંત તેણે હજુ ઓછી ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે. અને છતાંય જો ધૂન રિપીટ કરવી પડતી હોય તો વાત કયાં ગઈ? બાકી, અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો તે મહાનતા ન હોઈ શકે. કમ્પ્યૂટર સોફ્ટવેર તમને ધૂન બનાવી શકે, તમારા અવાજને સુધારી શકે, પણ ગીતના ભાવ લાવી શકશે? રાજ કપૂરની ફિલ્મ જિસ દેશ મૈં ગંગા બહતી હૈના હૈ આગ હમારે સીને મેં...માં લતાજી જે રીતે ઓય હોય હોય બોલે છે તે ચમત્કાર બીજું કોઈ ન કરી શકે. આશાએ જે કમાલ દૈયા રે મૈં કહાં આ ફસીમાં કરી છે તેમાં આશા ઉપરાંત શ્રેય આર.ડી.ને પણ બરાબરનો મળવો જોઈએ.

તો શું રહેમાને સાવ હલકા સ્તરનું જ સંગીત પીરસ્યું છે? ના. દિલ સેના -અગાઉ કહ્યું તે -એ અજનબી ગીત કે પછી સ્વદેશના યૂં હી ચલા ચલ (મોટિવેશનલ ગીતો ઓછા બનવાં લાગ્યાં છે, પણ છેલ્લાં કેટલાક સમયમાં બનેલાં ઉત્તમ મોટિવેશનલ ગીતો પૈકીનું એક), યે જો દેસ હૈ મેરા (એમાંય શરૂઆતમાં જે શરણાઈનો પીસ આવે છે, અફલાતૂન! તેને તો વિવિધ ભારતીએ બપોરે કાર્યક્રમોની જાહેરાતમાં અને એનડીટીવીએ સાત અજાયબીની જાહેરખબરમાં સુંદર વણ્યો છે.), જોધા અકબરનું કહેને કો જશ્ન એ બહારા હૈ, લગાનનું ઘનન...(છેલ્લાં કેટલાક સમયમાં બનેલા ઉત્તમ ક્લાસિકલ મ્યૂઝિક આધારિત ગીતો પૈકીનું એક), તેની શરૂઆતની કારકિર્દીનું દિલ હૈ છોટા સા, તાલના તો બધાં જ ગીતો (ખાસ કરીને તાલ સે તાલ મિલા અને ઇશ્ક બિના ક્યા જીના યારોં), ગુરુનું ઓ હમદમ બિન તેરે ક્યા જીના અને ઐ હૈરતે આશિકી...

છેલ્લે એક સ્પષ્ટતા કરી દઉં : હું રહેમાનનો વિરોધી નથી. મને તો તમામ સારું સંગીત ગમે. પણ આ બ્લોગપોસ્ટ રહેમાનની વધુ પડતી સ્તુતિની સામે માત્ર સાચો પક્ષ રજૂ કરવા મૂકી છે.

Monday, February 23, 2009

રહેમાનને ઓસ્કર...કહેને કો જશ્ન એ બહારા હૈ


‘મધર ઇન્ડિયા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘રેશ્મા ઔર શેરા’, ‘સૌદાગર’, ‘ગરમ હવા’, ‘મંથન’, ‘શતરંજ કે ખિલાડી’, ‘સારાંશ’, ‘સાગર’, ‘પરિન્દા’, ‘અંજલી’, ‘હીના’, ‘રુદાલી’, ‘ઇન્ડિયન’, ‘ગુરુ’, ‘જીન્સ’, ‘અર્થ’, ‘હે રામ’, ‘દેવદાસ’, ‘શ્વાસ’, ‘પહેલી’, ‘રંગ દે બસંતી’, ‘એકલવ્ય’, ‘તારે ઝમીં પર’, ‘નાયકન’, ‘બેન્ડિટ ક્વીન’…આ બધી એવી હિન્દી કે ભારતીય ભાષાની ફિલ્મો છે જેમને ભારત તરફથી ઓસ્કર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી, પરંતુ તેમને નામાંકન પણ ન મળ્યું. (એટલે કે એવોર્ડ મળવાને લાયક પણ ન ગણવામાં આવી.)

‘સલામ બોમ્બે’ અને ‘લગાન’ (એડી ચોટીનું જોર લગાવ્યા બાદ અને આમિર ખાને પોતે કબૂલ્યું છે તેમ ખૂબ જ લોબિઇંગ કર્યા પછી)ને અમેરિકનોના પ્રભુત્વવાળા ઓસ્કરમાં કમ સે કમ એવોર્ડ મળવા માટે લાયક ગણવામાં આવી.

અને હવે ‘સ્લમડોગ મિલિયોનેર’ને આઠ આઠ એવોર્ડ મળી ગયા છે. ફિલ્મથી માંડીને તેના નિર્દેશકથી સ્પોટબોય સુધી બધાની હવે જય હો થશે, અલબત્ત, એવોર્ડ મળ્યા પહેલાં જ થવા લાગી હતી. અત્યાર સુધી ભાનુ અથૈયા અને સત્યજીત રે એમ બે ભારતીયને આ ઓસ્કર એવોર્ડ મળ્યા છે. આ વખતે એક સાથે બે ભારતીય એ આર રહેમાન, ગુલઝાર અને રસૂલ પોકુટ્ટીને એવોર્ડ મળી ગયા છે. એટલે સંખ્યા ત્રેવડાઈ તેનો જયજયકાર પણ કરનારા કરશે.

રહેમાને તેના એવોર્ડ સ્વીકારવાના વક્તવ્યમાં કહ્યો તે, ‘મેરે પાસ માં હૈ’ સંવાદ જે ફિલ્મનો છે તે ‘દીવાર’ સહિતની અનેક હિન્દી ફિલ્મો 1913થી અત્યાર સુધી બનતી આવી છે અને તેમાંની ઘણી ફિલ્મોએ, ભલે તે મસાલા ફિલ્મ તરીકે ગણાવાઈ હોય પણ આપણું ભરપૂર મનોરંજન કર્યું છે અને ઘણી એવી ફિલ્મો છે જેને ઓસ્કરની દૃષ્ટિએ ભલે નોંધપાત્ર પણ ન ગણાઈ હોય, પણ તે અનેક રીતે કોઈ પણ ઓસ્કર ફિલ્મને આંટી મારે તેવી છે. મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ હોય કે એમ.એસ.સત્યુની ‘ગરમ હવા’ કે પછી સત્યજીત રેની ‘શતરંજ કે ખિલાડી’ કે શ્યામ બેનેગલની ‘મંથન’ કે છેલ્લે આમિર ખાનની ‘તારે ઝમીં પર’..આ બધી ફિલ્મો ઓસ્કર મેળવવા પૂરી હકદાર હતી જ, હતી, પરંતુ ત્યારે તેની નોંધ કેમ ન લેવાઇ? કારણકે એ વખતે ભારતીયોને લોબિઇંગની કળા (કે પછી માર્કેટિંગ) નહોતી આવડી? ચાલો, ‘લગાન’ અને ‘તારે ઝમીં પર’ વખતે તો એ કળા પણ આપણે હસ્તગત કરી લીધી હતી. ઘરઆંગણે સામાન્ય રીતે જે લાગવગ કે પક્ષપાતના કારણે આમિર ખાન એવોર્ડથી વંચિત રહી જતો હતો તે જ લાગવગ કે પક્ષપાત (સારી ભાષામાં કહીએ તો લોબિઇંગ) પોતાની ફિલ્મ ‘લગાન’ માટે કરાવવા તે અમેરિકામાં ધામા નાખીને પડ્યો હતો. ખાસ સ્ક્રીનિંગ અને પશ્ચિમી માધ્યમોમાં મબલક પબ્લિસિટી પછી ‘લગાન’નું માત્ર નામાંકન થઈ શક્યું હતું. એ વખતે તો આપણને ખબર પડી કે ઓસ્કર એવોર્ડ મેળવવા કેટલા વીસે સો થાય છે? માનો કે લગાન વખતેય હજુ શીખવાની શરૂઆત હતી પણ ‘તારે ઝમીં પર’ વખતે શું ? (કદાચ એ વખતે હરિરસ ખાટો થઈ ગયો હશે.)

એટલે ઓસ્કર એવોર્ડ કે ફોર ધેટ મેટર, ભારતમાં પણ કોઈ પણ એવોર્ડ મળે છે ત્યારે એ નગ્ન સત્ય સમજી લેવાની જરૂર છે કે લોબિઇંગ કે પ્રભાવ કે પૈસા પાથર્યા વગર કોઈ એવોર્ડ મળતો નથી. જ્યારે ‘મધર ઇન્ડિયા’થી લઈને ‘તારે ઝમીં પર’ સુધીની ગુણવત્તાની દૃષ્ટિએ જેમાં બેમત ન હોઈ શકે તેવી ફિલ્મો નામાંકન પામવા સુધી પણ ન પહોંચે અને સામાન્ય ગુણવત્તાની ‘સ્લમડોગ…’ જે કોઈ પણ ચીલાચાલુ બોલિવૂડ ફિલ્મ સમકક્ષ છે (ચીલાચાલુ બોલિવૂડ ફિલ્મોમાં કમ સે કમ ગીતો પણ સારાં હોય, આમાં તે પણ નથી) તેને આઠ આઠ એવોર્ડ મળે ત્યારે ધોળિયા (તેઓ આપણા ગરીબ, ઝૂંપડપટ્ટીના ભાઈઓને કૂતરા કહે છે ત્યારે તેમને ધોળિયા કહેવાની ગુસ્તાખી તો કરી જ શકાય ને?)ની દાનત પ્રત્યે શંકા ગયા વગર રહી શકતી નથી. ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેન અનુક્રમે મિસ વર્લ્ડ તથા મિસ યુનિવર્સ બન્યાં તે પછીનો સમય અવલોકો તો ઘણો બધો ફર્ક આવ્યો જ છે. ભારત કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનું મોટું બજાર બની ગયું છે. તો પછી ‘સ્લમડોગ…’ને આઠ એવોર્ડ પાછળ બજારવાદી અને ગણતરીબાજ એવા ધોળિયાઓનું કયું ગણિત હશે તે અત્યારે તો સમજાતું નથી. પછીથી તેની ખબર પડશે.

રહી વાત રહેમાનની. તો તેર તાળીઓ પાડીએ. તેને મળેલા એવોર્ડ કરતાં તેણે આપેલ વક્તવ્યની અને ખાસ કરીને પોતાની માને યાદ કરી, ઉત્તમ ફિલ્મોમાંની એક ‘દીવાર’ના સંવાદ ‘મેરે પાસ માં હૈ’ને બોલવા માટે અને પોતાની માતૃભાષા તમિલમાં, ભલે એક વાક્ય જ, બોલીને માતૃભાષા અને એ રીતે ભારતનું ગૌરવ વધારવા માટે. બાકી અંગત મત તો એવો છે કે ‘રોજા’થી લઈને ‘તાલ’ અને છેલ્લે ‘જોધા અકબર’માં રહેમાનભાઈએ બહુ ઉત્તમ સંગીત આપ્યું છે. એ હિસાબે ‘સ્લમડોગ…’નું સંગીત તો કંઈ નથી.

બાકી તો, અમિતાભ બચ્ચન કહે છે તેમ હિન્દી ફિલ્મો, ભલે તે કમર્શિયલ હોય કે આર્ટ, તેના માટે ઓસ્કરનું મહત્ત્વ ફિલ્મફેર, સ્ક્રીન, આઇફા, સ્ટારડસ્ટ એ બધાથી વિશેષ નથી. અને જ્યારે ‘સ્લમડોગ…’ને એવોર્ડ મળ્યો છે ત્યારે એ પણ સમજી લેવું જોઈએ કે તે ભારતીય દ્વારા નિર્મિત, ભારતીય દ્વારા નિર્દેશિત ફિલ્મ નથી જ, આથી આવતા વર્ષે કોઈ ભારતીય ફિલ્મને એવોર્ડ મળશે તેવાં સપનાં જોવા માંડવા એ અવાસ્તવિક ગણાશે. રહેમાને પોતે ઓસ્કર એવોર્ડ સમારંભમાં કહ્યું છે તેમ સ્લમડોગ (અને મોટા ભાગની હિન્દી ફિલ્મો) આશાવાદી હોય છે અને તેમાં જીવનની આશાની તાકાત હોય છે.

મારા માટે એટલે જ, સંપૂર્ણ મનોરંજક એવી મનમોહન દેસાઇ, ડેવિડ ધવન કે ફરાહ ખાનની ફિલ્મો કોઈ પણ એવોર્ડ વિજેતા ફિલ્મ કરતાં પણ ચડિયાતી છે કારણકે તે સંદેશ આપે કે ન આપે, મનોરંજન જરૂર આપે છે અને કદાચ ફિલ્મ બનાવવાનો મૂળ હેતુ તે જ છે. જય હો હિન્દી ફિલ્મોની.

Sunday, February 15, 2009

વેલેન્ટાઇન દિવસ, લાલુપ્રસાદ યાદવ અને ભગવા ગુંડારાજ

રામે સીતાને બાગમાં જોયાં. એ પહેલી નજરનો પ્રેમ હતો. રુક્મિણીએ શ્રીકૃષ્ણને પોતાને પરણીને લઈ જવા પત્ર લખ્યો એ કદાચ પહેલો પ્રેમપત્ર હતો. દુષ્યંતે શકુંતલા સાથે લગ્ન કર્યાં તે કદાચ પહેલા પ્રેમલગ્ન હતાં! પાર્વતીજીએ શંકરને પામવા આકરી તપશ્ચર્યા કરી હતી અને એ પાર્વતીજીનાં માબાપે ગોઠવેલાં લગ્ન (ઍરેન્જ્ડ મેરેજ) નહોતાં.

ઘણા લેખકો સંસ્કૃતમાં રચાયેલાં પુરાણા ગ્રંથોને ટાંકીને યુવાનોને ગમે તેવું ‘લોકભોગ્ય’ લખાણ લખીને રૂઢિચુસ્ત સંગઠનોને ભાંડતા રહેવાની પ્રવૃત્તિ કરતા રહે છે. ચૅનલો પણ યુવાનોમાં પોતાની પેઠ પેસાડવા અને રાખવા માટે યુવાનોને ગમે તેવું પીરસ્યા રાખે છે. (અલબત્ત, એ યુવાનોને ગમતું જ હોય છે તે માની લેવામાં આવ્યું હોય છે.) મહેશ ભટ્ટો જેવા નિર્દેશકો અને નિર્માતાઓ તેમજ ઘણાં મેગેઝિનો, અખબારો અને ચૅનલોના તંત્રીઓ, પત્રકારો વગેરે પણ કામક્રીડાંનાં દ્રશ્યો, તસવીરો તથા કામક્રીડાને લગતા સમાચારો લોકોને ગમતા જ હોય છે તેવું માની લઈને પોતાની ફિલ્મોમેગેઝિનો, અખબારો અને ચૅનલોમાં આવું બધું ચલાવ્યા કરે છે. જ્યારે ચર્ચા નીકળે ત્યારે પોતાનો ફિલ્મોવાળા એમ કહીને કરે કે એમટીવીમાં આવું બધું આવે છે અને એ ડ્રોઈંગરૂમમાં બેસીને જોવાય છે જ ને? એમટીવીવાળા એમ કહે કે ઇન્ટરનેટ પર કેટલી પોર્નોગ્રાફી જોવાય છે? પરંતુ આમ બીજાના ગુનાનો સંદર્ભ ટાંકીને પોતે ગુનો કરે છે તે યોગ્ય છે? પુરાણોમાં પ્રેમનો મહિમા છે જ, પરંતુ આજે જે થઈ રહ્યું છે તેને પ્રેમનું નામ આપી શકાય ખરું?

એનડીટીવી ઇન્ડિયા ચૅનલે ૧૪ ફેબ્રુઆરીએ બતાવેલા રિપોર્ટમાં ‘ભગવા ગુંડારાજ’ ટાઇટલ હતું અને ભગવો પટ્ટો ધારણ કરીને નીકળી પડેલા ગુંડાઓ વેલેન્ટાઇન્સ ડેના દિવસે કહેવાતા ‘પ્રેમીઓ અને પ્રેમિકાઓ’ને પીટી રહ્યા હતા તે વારંવાર બતાવ્યું. તે પછી લાલુપ્રસાદ યાદવ વેલેન્ટાઇન બાબા બનીને રાબડી દેવી આગળ જાય છે તે કાર્ટૂન ચિત્ર બતાવ્યું. તે પછી લાલુના સમાચાર બતાવ્યા. તેમાં લાલુને આ અંગે પૂછાયું તો લાલુએ ઠંડકથી કહી દીધું ઃ હું વેલેન્ટાઇનની ઉજવણીની તરફેણમાં નથી!

અહીં બે મુદ્દા વિશે કહેવું છે. રામ સેનાનો બચાવ કરવાનો હેતુ નથી, પરંતુ પબમાં યુવતીઓ જ નહીં, યુવાનો પણ જાય તે આ દેશના હિતમાં છે? માનો કે કોઈ બાપ તેનો દીકરો પબમાં ગયો હોય અને ત્યાં જઈને બે લાફા મારી દે તો?

કોઈ વિદ્યાર્થી બરાબર ન ભણતો હોય તો તેના હિતમાં શિક્ષક ખીજાય અને જરૂર પડે એક લાફો પણ મારી દે. પરંતુ આજે શિક્ષક લાફો મારે તો પણ અખબારો અને ન્યૂઝ ચૅનલોનો મુદ્દો બની જાય છે.

સ્ત્રીઓને બધી સ્વતંત્રતા જોઈએ છે અને ઘણી બધી મળી પણ રહે છે, પરંતુ તે કોઈ ગુનો કરે ત્યારે ‘અબળા’ બની જવું છે. કોઈ સ્ત્રી સ્વચ્છંદી બનીને અસભ્ય વર્તન કરે ત્યારે?

અમદાવાદ સહિત દેશનાં ઘણા શહેરોમાં સ્ત્રીઓ બેફામ ડ્રાઇવિંગ કરીને નાસી જાય છે. પુરુષે જો અકસ્માત કર્યો હોય તો ત્યાં સ્થળ પર તેની ધોલાઈ થઈ જાય, પરંતુ સ્ત્રીએ કર્યો હોય તો તેની ધોલાઈ થાય ખરી? ઉલટું, કદાચ તેના ‘ભાઈઓ’ આવીને સામે વાળા નિર્દોષને મારવા લાગે તેવું બને. એટલે પબમાં રામ સેનાએ સ્ત્રીઓની ધોલાઈ કરી તે જેટલું ખોટું હતું તેટલું જ ખોટું યુવાન કે યુવતીઓનું પબમાં જવું છે.

પબ કલ્ચરના મુદ્દે પક્ષાંતર ભૂલી જઈને કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરીપ્પા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ બધાએ પબ કલ્ચરને દૂષણ ગણાવ્યું. એ જ રીતે વેલેન્ટાઇન દિવસનો વિરોધ માત્ર શિવસેના, ભાજપ કે વિહિપ બજરંગ દળવાળા જ કરે છે તેવું નથી. ઉપર કહ્યું તેમ લાલુ પણ તેની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું ઃ આ ભારતીય સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ તો શરમ અને લજ્જાની છે.

કાઁગ્રેસ જેને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે એ રાહુલ ગાંધીએ પણ પોતે વેલેન્ટાઇન દિવસની ઉજવણીની તરફેણમાં ન હોવાનું કહ્યું.

પરંતુ અખબારો અને ન્યૂઝ ચૅનલોને વેલેન્ટાઇન દિવસ અને એવા દિવસો કે મુદ્દામાં બજાર દેખાય છે. ગ્રીટિંગ કાડ્ર્સથી લઈને ગિફ્ટ આર્ટિકલનું પણ મોટું બજાર છે. કપલરૂમથી લઈને હોટલના રૂમોમાં પણ ૧૪મી ફેબ્રુઆરીએ ભીડ જોવા મળે છે. તેનું પરિણામ ૧૪ નવેમ્બરે બાળ દિને જોવા મળે છે.

અખબારો અને ન્યૂઝ ચૅનલોના કર્તાહર્તાઓએ વેલેન્ટાઇન ડેના સમર્થનકારોએ પોતાની જાતને આ પૂછવું જોઈએ. વેલેન્ટાઇન ડેના દિવસે જે થાય છે તે માત્ર પ્રેમ જ હોય છે કે પછી હવસ? સ્વતંત્રતા સારી છે પરંતુ જ્યારે તેમાં સ્વચ્છંદતા આવવા લાગે ત્યારે? રામ સેનાની વિરુદ્ધમાં બોલતી આ ચૅનલો કે અખબારો ત્યારે કેમ ચૂપ થઈ જાય છે જ્યારે મુંબઈમાં એક મુસ્લિમ યુવતીની પીઠ પર ટેટૂમાં ધાર્મિક લખાણના કારણે તે યુવતીને રૂઢિચુસ્તો માર મારે છે? ત્યારે કેમ ‘હરા ગુંડારાજ’ કે ‘તાલિબાની કહર’ જેવું શીર્ષક આપીને ચર્ચાઓ અને સમાચારો નથી અપાતા?