Thursday, February 26, 2009

માન ન માન, તૂ મેરા રહેમાન!

‘સ્લમડોગ...’ને આઠ ઓસ્કર મળી ગયા છે અને રહેમાનને બે. એક ઇતિહાસ રચાઈ ચૂક્યો છે. જ્યારે પણ ઓસ્કરની વાત નીકળશે ત્યારે રહેમાનની વાત નીકળશે. ઘરઆંગણે રહેમાનનાં ગુણગાન ગવાતાં જ હતા, પણ એવોર્ડ મળ્યા પછી તો પ્રસારમાધ્યમોએ રહેમાન સંગીતનો દેવતા છે તેમ કહેવામાં જ બાકી રાખ્યું છે. પણ દિલીપકુમારમાંથી એ.આર.રહેમાન બની ગયેલા રહેમાનના સંગીતમાં, જેટલી પ્રશંસા થાય છે તેવો જાદુ ખરેખર છે ખરો એ આ જ તબક્કે તપાસવું જોઈએ.

રહેમાનને સંગીતકાર તરીકે આવ્યાને જુમ્મા જુમ્મા સોળ વર્ષ થયાં છે. આ સોળ વર્ષમાં તેણે તમિલ, તેલુગુ વગેરે દક્ષિણની અને હિન્દી ફિલ્મો સહિત 106 ફિલ્મો કરી છે તેમ આઇએમડીબી કહે છે. કેટલાં વર્ષ થયાં કે કેટલી ફિલ્મો આપી તે સફળતાની પારાશીશી ન જ ગણાય, પણ આ દરમિયાન કેટલી ધૂનો રિપીટ કરી તે તો પારાશીશી ગણાય જ ને.અને તમિલ ફિલ્મની ધૂન હિન્દીમાં રિપીટ કરવી તે ભલે ચોરી નથી તો પણ પ્રશંસાની બાબત પણ નથી. કેટલાક ગુજરાતી કટારલેખકો જેમ અમુક તહેવાર કે પ્રસંગ બને ને ચોક્કસ પ્રકારનું એકનું એક લખાણ ફરી થોડા ફેરફાર સાથે છાપવા આપી દે તેવું જ થયું. તમિલ ધૂન સાંભળી ન હોય એટલે દક્ષિણની ફિલ્મોના દર્શક સિવાયનાને ખબર ન હોય, એટલે સ્વાભાવિક જ આપણે તે ધૂનથી પ્રભાવિત થઈ જઈએ. એક વાર સર્ફિંગ કરતાં કરતાં તમિલ મૂવી ચેનલ જોઈ ત્યારે ગીતની ધૂન સાંભળી ચોંકી જવાયું. (2000ની આસપાસની વાત છે.) એ ધૂન 1947 અર્થના રુત આ ગઈ રે (ગાયક - સુખવિંદરસિંહ, બીજું કોણ?) ગીતની બેઠી ધૂન હતી. હિન્દીમાંથી તમિલમાં કોપી થાય તેવું બહુ ઓછું બને છે.

ધૂનચોરી રહેમાને નથી કરી તેવું નથી. તેના દાખલા આપીએ તે ઓછા છે. સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાને રહેમાનને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા પછી આપેલા એક ઇન્ટરવ્યૂમાં એકદમ બરાબર તાર પકડ્યો હોય તેમ તેઓ કહે છે, રહેમાન આપણા માટે ગૌરવરૂપ છે, પણ તે ભારતનો મહાન ફિલ્મસંગીતકાર છે તેમ ન કહી શકાય. તેઓ દાવો કરે છે કે રહેમાને દિલ સેના ગીત એ અજનબી (આ લખનારના મતે ઉદિત નારાયણના પરિપક્વ અવાજમાં તે બહુ જ સુંદર રચના બની છે)ની ધૂન શંકર-જયકિશનના સંગીતમઢેલા ગીત મંઝિલ વોહી હૈની બેઠી નકલ છે. આગળ વધીને તેઓ એમ કહે છે કે દિલ સેના જ બહુ વખણાયેલા (તેના શબ્દો કે અર્થ જેમને સમજાય તે મને સમજાવવા વિનંતી. ગુલઝારસાહેબની પ્રશસ્તિના સંદર્ભમાં પણ લખવું છે, પણ તે નિરાંતે.) ગીત છૈયાં છૈયાં એ શ્રી 420ના રમૈયા વસ્તાવૈયાની સીધી નકલ છે, રહેમાને માત્ર લય (બીટ) ઝડપી કરી નાખ્યો છે એટલું જ.

રહેમાનની ઉઠાંતરીકળાનો તાજો નમૂનો જોઈએ છે? બહુ વખણાયેલી ફિલ્મ ગઝિનીના ગીત- કૈસે મિલ ગયે મુઝે તુમ-ને જરા યાદ કરો. કંઈ યાદ આવ્યું? અરે ગીતમાં શરૂઆતમાં જ આવતો આલાપ તો સુભાષ ઘઈની યુવરાજમાં આજા મૈં ફનાઓ મેં બિઠા કે લે ચલૂં તુજ કો ગીતમાં આવતો આલાપ જ છે, તેવું લાગ્યું ને. હવે આલાપ પછી ગાયકના અવાજે કૈસે મુઝે તુમ મિલ ગયી ધૂન સાંભળો. યસ,આ ધૂન તો સાંભળેલી છે. મગજને થોડું કસો. એ ધૂન તો 2001માં આવેલી ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેંના કૈસે મૈં કહૂં તુજ સે, રહેના હૈ તેરે દિલ મેંને ઘણી મળતી આવે છે. એ ફિલ્મમાં સંગીત દક્ષિણના જ હરીશ જયરાજનું હતું. અને હરીશ (તેના સ્પેલિંગ પ્રમાણે તો હર્રીશ લખવું જોઈએ.) જયરાજ એક સમયે રહેમાનનો સહાયક હતો. એટલે હરીશે તમિલ ફિલ્મમાં રહેમાને આપેલી ધૂનની ઉઠાંતરી રહેના હૈ તેરે દિલ મેં વખતે કરી હતી કે કેમ તે જાણવું પડે, પણ જો તેમ ન હોય તો, શેમ ઓન યૂ રહેમાન ફોર લિફ્ટિંગ યોર ઓન વન ટાઇમ આસિસ્ટન્ટ્સ ટ્યૂન!

રહેમાનના સંગીતને તોલવા માટે તેની કારકિર્દીના લેખાજોખા લેવા જોઈએ. તેણે શરૂઆત રોજાથી કરી. આવતાની સાથે તે છવાઈ ગયો. (ક્રેડિટ ગોઝ ટૂ મિડિયા). તેણે જેટલી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં કેટલી સંગીતની રીતે પણ સફળ રહી? (કમર્શિયલ સક્સેસની વાત જવા દો.) રોજા, રંગીલા, બોમ્બે, દૌડ (અલબત્ત,તે ટિકિટબારીએ તો ઊંધા મોંઢે પડકાઈ હતી.), જીન્સ, દિલ સે, તાલ, અર્થ, લગાન, સાથિયા, સ્વદેશ, રંગ દે બસંતી, ગુરુ, જોધા અકબર, જાને તૂ યા જાને ના. ધેટ્સ એન્ડ! અને સંગીતની રીતે નિષ્ફળ રહેલી ફિલ્મોની વાત તો કોઈ કરતું જ નથી. યાદી ગણવી હોય તો શરૂ કરો. જેન્ટલમેન, ઇન્ડિયન, વિશ્વવિધાતા, ડોલી સજા કે રખના, કભી ના કભી, લવ યૂ હંમેશાં, તક્ષક, પુકાર, ઝુબૈદા, વન ટૂ કા ફોર (એ વળી કઈ ફિલ્મ? શાહરુખ અને જૂહીની નોંધ પણ ન લેવાયેલી ફિલ્મ), નાયક, ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ, તહઝીબ, લકીર, મીનાક્ષી, યુવા, કિસના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ધ રાઇઝિંગ : બલાડ ઓફ મંગલ પાંડે, દિલ્લી 6. લગભગ 15 હિટ ફિલ્મો અને 20 નિષ્ફળ ફિલ્મો (એ પણ સંગીતની રીતે.)

એની સામે લગભગ 30 વર્ષ અને 463 ફિલ્મોમાં સંગીત આપનાર લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત જો તોલવામાં આવે તો સો રહેમાન મૂકો તો પણ એલ.પી. કે ફોર ધેટ મેટર, આર.ડી. બર્મનનું પલ્લું ઝૂકેલું જ રહે. અને ઓછી ફિલ્મોમાં ઉત્તમ સંગીત આપનાર, ક્રિકેટની ભાષામાં કહીએ તો, સારી સ્ટ્રાઇક રેટ ધરાવનાર, ખય્યામ, સલીલ ચૌધરી, હેમંતકુમાર, રોશન કે તેમના સુપુત્ર રાજેશ રોશનની બરોબરી કરવાનું પણ રહેમાનનું ગજું નથી. શંકર-જયકિશન, સચિન દેવ બર્મન જેવા ધૂરંધરોની તો વાત જ ક્યાં કરવી? બીજું કંઈ નહીં, તોય ધૂનચોર તરીકે બહુ વગોવાયેલા અનુ મલિકને પણ રહેમાને હંફાવવાના બાકી છે. (એ આજે 29 વર્ષ પછી પણ યુવાનોને ગમે તેવું, રહેમાન જે પ્રકારનું સંગીત આપે છે તેવું, મૈં ટલ્લી હો ગઈ ગીત આપી શકે છે, જોકે એને સારું કહેવાય કે કેમ તે બાબતે શંકા છે, પણ તોય...) અનુ મલિકે એક જાન હૈં હમ, સોહની મહિવાલ, ગંગા જમુના સરસ્વતી (સાજન મેરા ઉસ પાર હૈ-ગીત પર તો જાન પણ કુર્બાન!), આવારગી (મોહમ્મદ અઝીઝ અને લતાનાં બે ગીતો : એ મેરે સાથિયા અને બાલી ઉમરને મેરા હાલ વો કિયા, આ હા હા, મર જાવાં!), રાધા કા સંગમ (ઓ રાધા તેરે બિના તેરા શ્યામ હૈ આધા), ફિર તેરી કહાની યાદ આઈ, બાઝિગર, સર, મૈં ખિલાડી તૂ અનાડી, ઇમ્તિહાન (ઇસ તરહ આશિકી કા અસર છોડ જાઉંગા), અકેલે હમ અકેલે તુમ, ઘાતક (કોઈ જાયે તો લે આયે), ઇશ્ક, કરીબ (ધીરે ધીરે નઝરેં મિલી ગીત તો 50થી 60ના દશકની યાદ અપાવે તેવું ગીત હતું), મુઝે કુછ કહેના હૈ, યાદેં, અસોકા (રાત કા નશા અભી આંખ સે ગયા નહીં), અજનબી (તૂ સિર્ફ મેરા મહેબૂબ), મૈં પ્રેમ કી દીવાની હૂં, મર્ડર, મૈં હૂં ના (બધા જ ગીતો, પણ કવ્વાલી તુમ સે મિલ કે દિલ કા જો હૈ હાલ ક્યા કહેં અને સ્વીટેસ્ટ વોઇસ અભિજીતના અવાજવાળું, તુમ્હેં જો મૈંને દેખા), સાવ નિષ્ફળ ગયેલી પણ સંગીતની રીતે ખૂબ જ સુંદર ફિલ્મ એલઓસી, મુન્નાભાઈ એમબીબીએસ, નો એન્ટ્રી (ટાઇટલ ગીતની ધૂન આખી ફિલ્મમાં રિપીટ થયા કરે અને કેવી ફની લાગે, રહેમાને કોઈ કોમેડી ફિલ્મમાં આવી ધૂન આપવાનો પડકાર ઉપાડવો જોઈએ), ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરની નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ જાન-એ-મન, ઉમરાવજાન...યાદી બહુ મોટી છે.

જોકે અનુ મલિકની જે નબળાઈ છે તે રહેમાનની પણ છે...પોતે સારો ગાયક ન હોવા છતાં ફિલ્મોમાં ગાયા કરે છે. કોઈ પણ સંગીતનો ઠીક-ઠીક જાણકાર પણ એ વાત કબૂલશે કે રહેમાન સારો ગાયક નથી. ઊંચા સૂરમાં તો તેનો અવાજ ફાટી જાય છે. બીજું એ કે તેને હિન્દી ઓછું સમજાતું હોય તેવું મને લાગે છે. અને એટલે જ તેણે ગાયેલાં ગીતોમાં એ ભાવ નથી આવી શકતો જે આવવો જોઈએ. ઉચ્ચારણ જ બરાબર નહીં. રામગોપાલ વર્માની ઉત્તમ કોમેડી ફિલ્મ દૌડની એ વખતે ટીવી પર આવતી જાહેરખબર યાદ છે? તેમાં જે રીતે રહેમાન દ્વારા ગવાયેલું (કે બોલાયેલું?) દૌડ રજૂ થતું તે એમ જ સંભળાય...દા...ઉ...દ! અને આ મજાક નથી! ગીત તો દિલ સે જ ગવાવું જોઈએ, મિ. રહેમાન! નહીં તો તેની મજા મરી જાય. તેના સંગીતમાં બીજી એક ખામી એ છે કે શબ્દો પર લય હાવી થઈ જાય છે. તેનાં ગીતોના શબ્દો કેટલા યાદ છે? બોમ્બેના એક હો ગયે હમ ઔર તુમ...ગીત બહુ વખણાય છે. પણ તેને ગાયું છે ગાયનમાં રહેમાનના જ ભાઈ રેમો ફર્નાન્ડિઝે. એટલે એક હો ગયે હમ્મા તુમ એવું સંભળાય. આ ગીતના શબ્દો કેટલા યાદ છે? ચાલો, લેટેસ્ટ ઉદાહરણ આપું. માહિયા માહિયા...ગીત જ લઈ લો. ગુરુના ઉત્તમ કોરિયોગ્રાફ્ડ એવા આ ગીતના શબ્દો યાદ છે?

રહેમાનના આટલાં ગુણગાન ગવાય છે તેની પાછળ તેના મિડિયોકર સંગીત ઉપરાંત તેની નોનકન્ટ્રોવર્સિયલ ઇમેજ પણ છે. ઉપરાંત તેણે હજુ ઓછી ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે. અને છતાંય જો ધૂન રિપીટ કરવી પડતી હોય તો વાત કયાં ગઈ? બાકી, અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો તે મહાનતા ન હોઈ શકે. કમ્પ્યૂટર સોફ્ટવેર તમને ધૂન બનાવી શકે, તમારા અવાજને સુધારી શકે, પણ ગીતના ભાવ લાવી શકશે? રાજ કપૂરની ફિલ્મ જિસ દેશ મૈં ગંગા બહતી હૈના હૈ આગ હમારે સીને મેં...માં લતાજી જે રીતે ઓય હોય હોય બોલે છે તે ચમત્કાર બીજું કોઈ ન કરી શકે. આશાએ જે કમાલ દૈયા રે મૈં કહાં આ ફસીમાં કરી છે તેમાં આશા ઉપરાંત શ્રેય આર.ડી.ને પણ બરાબરનો મળવો જોઈએ.

તો શું રહેમાને સાવ હલકા સ્તરનું જ સંગીત પીરસ્યું છે? ના. દિલ સેના -અગાઉ કહ્યું તે -એ અજનબી ગીત કે પછી સ્વદેશના યૂં હી ચલા ચલ (મોટિવેશનલ ગીતો ઓછા બનવાં લાગ્યાં છે, પણ છેલ્લાં કેટલાક સમયમાં બનેલાં ઉત્તમ મોટિવેશનલ ગીતો પૈકીનું એક), યે જો દેસ હૈ મેરા (એમાંય શરૂઆતમાં જે શરણાઈનો પીસ આવે છે, અફલાતૂન! તેને તો વિવિધ ભારતીએ બપોરે કાર્યક્રમોની જાહેરાતમાં અને એનડીટીવીએ સાત અજાયબીની જાહેરખબરમાં સુંદર વણ્યો છે.), જોધા અકબરનું કહેને કો જશ્ન એ બહારા હૈ, લગાનનું ઘનન...(છેલ્લાં કેટલાક સમયમાં બનેલા ઉત્તમ ક્લાસિકલ મ્યૂઝિક આધારિત ગીતો પૈકીનું એક), તેની શરૂઆતની કારકિર્દીનું દિલ હૈ છોટા સા, તાલના તો બધાં જ ગીતો (ખાસ કરીને તાલ સે તાલ મિલા અને ઇશ્ક બિના ક્યા જીના યારોં), ગુરુનું ઓ હમદમ બિન તેરે ક્યા જીના અને ઐ હૈરતે આશિકી...

છેલ્લે એક સ્પષ્ટતા કરી દઉં : હું રહેમાનનો વિરોધી નથી. મને તો તમામ સારું સંગીત ગમે. પણ આ બ્લોગપોસ્ટ રહેમાનની વધુ પડતી સ્તુતિની સામે માત્ર સાચો પક્ષ રજૂ કરવા મૂકી છે.

No comments:

Post a Comment