Showing posts with label તારક મહેતા કા ઉલટા ચશ્મા. Show all posts
Showing posts with label તારક મહેતા કા ઉલટા ચશ્મા. Show all posts

Friday, April 3, 2009

ગુજરાતી થઈ ગુજરાતી બોલે નહીં....

અતિ લોકપ્રિય થઈ રહેલી સિરિયલ (સબ ટીવી) ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ (ઘણા કહે છે કે મહેતા હિન્દીમાં મેહતા લખાય, પણ અરે 'બુદ્ધિમાનો'! નામ હોય કે અટક, હિન્દીમાં કે અંગ્રેજીમાં બદલાઈ ન જાય, એ તો અંગ્રેજીમાં સ્પેલિંગના કારણે થયેલી ગરબડ છે. અંગ્રેજોને બોલતા ન આવડ્યું એટલે ભરૂચનું બ્રોચ કરી નાખ્યું તો શું તે નામ બદલાઈ જશે? અંગ્રેજી અને રોમન લિપિના કારણે નામોમાં થયેલા ગોટાળા અંગે બ્લોગપોસ્ટ પછી ક્યારેક.)માં તાજેતરમાં ફિલ્મ ‘સ્ટ્રેઇટ’ના પ્રચાર માટે વિનય પાઠક આવ્યો હતો. એને લઇને સિરિયલમાં તારક મહેતા જેઠાલાલ અને દયા પાસે આવે છે. એ જાય છે ત્યારે દયા એક સવાલ પૂછે છે :

“યે પાઠક તો ગુજરાતી હોતે હૈ ના? ”

જેઠાલાલનો જવાબ : “હા.”

દયાનો સવાલ : “તો ફિર વો હિન્દી મેં ક્યૂં બોલ રહે થે?”

હજુ જેઠાલાલ જવાબ આપે તે પહેલાં દયા ટપુને શાળાએ મૂકવા જવા રવાના થઈ જાય છે.

પ્રશ્ન તો વાજબી છે. ગુજરાતી હોય અને ગુજરાતી સાથે હિન્દીમાં કેમ બોલે? આ પ્રશ્ન મને પણ ઘણાં વર્ષોથી ખટકી, ખૂંચી રહ્યો છે, ખાસ કરીને 2003માં ભાવનગરથી અમદાવાદ આવ્યા પછી.

હજુ ગઈકાલની (તા.3 એપ્રિલ 2009)ની જ વાત છે. ‘અભિયાન’ની ઓફિસમાં એક ભાઈ આવ્યા. વદ્યા : “…..(પત્રકારનું નામ) હૈ?મેરે કો ઉનકો વિજિટિંગ કાર્ડ દેના થા. ” એટલે સાથી પત્રકાર મિત્રએ હિન્દીમાં જવાબ આપ્યો. હિન્દીમાં વાતચીત ચાલી. એટલી વારમાં એ ભાઈને ફોન આવ્યો. મોબાઇલમાં રિંગટોનમાં કોઈ ગુજરાતી ફિલ્મના ગીત જેવું ગીત ગૂંજ્યું. એટલે મેં કપાળ કૂટ્યું : “ધત્ તેરે કી ! આ તો ગુજરાતી જ હતો.”

ફરી એ જ સવાલ. એક ગુજરાતી માણસ જ્યારે એક ગુજરાતી સામયિક કે અખબારની કચેરીમાં આવે છે ત્યારે તેને એટલી તો ખબર હોય ને કે અહીં ગુજરાતી લોકો જ હોવાના. તો પછી હિન્દીમાં શું કામ ભરડતા હશે?

કોઈ મોબાઈલ, બ્રોડબેન્ડ, પ્રાઇવેટ બેન્ક, લાઇફ ઇન્સ્યોરન્સ આપતી પ્રાઇવેટ કંપની, શેરબજારનું દલાલીનું (અંગ્રેજીમાં કહીએ તો બ્રોકરિંગ)કામ કરતી કંપનીઓ વગેરેમાંથી આવતા ફોન મોટા ભાગે હિન્દીમાં જ હોય છે. અને દર વખતે હું સ્પષ્ટ કહું છું : “હું ગુજરાતી છું. મને હિન્દી સમજાતું નથી.” અલબત્ત, મને હિન્દી સુપેરે સમજાય છે. શુદ્ધ હિન્દી પણ સમજાય અને જાવેદ અખ્તર જે ભરડે છે તે ઉર્દૂ પણ ઠીક ઠીક સમજાય છે, પણ ગુજરાતમાં ગુજરાતીમાં કેમ બોલાતું નથી, અને શા માટે પહેલેથી કલ્પી લેવામાં આવે છે કે સામે જે વ્યક્તિ છે તે ગુજરાતી નહીં સમજનારો અને હિન્દી કે અંગ્રેજી સમજનારો જ છે? એ અકળામણ થવાના કારણે હું આવું ખોટું બોલું છું અને આવું કહ્યા પછી પેલો ભાઈ કે બહેન શુદ્ધ ગુજરાતી બોલવા લાગે છે.

હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને તે બોલાવી જ જોઈએ, પણ એ તો જે ગુજરાતી નહીં જાણનારાઓની સાથે. ગુજરાતીને પોતાની ભાષાનું અભિમાન કેમ નથી? અચ્છા, બે લોકો જે એકબીજાને સારી રીતે જાણે છે કે બંને ગુજરાતી છે તે પણ પોતાનું ‘જ્ઞાન’ પ્રદર્શિત કરવા અંગ્રેજીમાં ભરડશે અને પાછો તેનો ગુજરાતીમાં અનુવાદ પણ કરશે! જાણે કેમ બીજાને અંગ્રેજીમાં સમજ ન પડતી હોય!
‘ગણેશ સ્પીક્સ’ નામની જ્યોતિષને લગતી કંપનીમાં કામ કરતા મિત્ર બાલુજી કે બાલાજી પોતે દક્ષિણ ભારતીય છે, પણ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોવાથી એવું ફાંકડું ગુજરાતી બોલે છે કે કદાચ હવે ગુજરાતીઓ પણ એવું ગુજરાતી બોલતા હશે કે કેમ તે સવાલ છે. એક વાર મેં તેમને પૂછ્યું : “તમે આટલું ચોખ્ખું ગુજરાતી કઈ રીતે બોલો છો?”

તો કહે : ”રાજકોટમાં રહેતો હતો ને એટલે. અમદાવાદમાં રહેતો હોત તો આટલું ગુજરાતી આવડતું ન હોત.”

હવે તો કાર્ટૂન ચેનલો, હિન્દી ન્યૂઝ ચેનલો, હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલો (સોની, ઝી, સ્ટાર પ્લસ વગેરે) ના કારણે વધુ ને વધુ હિન્દી શબ્દો આપણી ગુજરાતીમાં ‘ઘૂસણખોરી’ કરતા જાય છે. ખાસ કરીને બાળકોની ભાષા તો ભારે ખિચડી બનતી જાય છે, પછી તે ભાવનગરનાં હોય કે રાજકોટનાં! અને ભાષા પ્રત્યે ગુજરાતીઓ પહેલેથી સુષુપ્ત રહ્યા છે. અમદાવાદમાં બિનગુજરાતીઓ વચ્ચે રહેતાં કે ભણતા બાળકોની તો ગુજરાતી ભાષાની વાત જ શી કરવી! એના કરતાં કદાચ, મુંબઈનાં બાળકો વધુ સારું ગુજરાતી બોલતા હશે! અને ગુજરાતી શીખવું હોય તો અખબાર કે સામયિક વાંચવાની સલાહ આપવું તો વધુ જોખમી છે! ઘણા પત્રકારોને કહેતા સાંભળ્યા છે : જોડણી કે શબ્દોની માથાકૂટમાં પડવાનું નહીં. વાત સમજાવી જોઈએ!

અવિનાશભાઈ (વ્યાસ)એ બહુ સુંદર ગીત લખ્યું હતું : ‘ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર.’ પણ હવે તેને આ રીતે બદલવાની જરૂર લાગે છે :

‘ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે જ નહીં!’