Showing posts with label દેવનાગરી લિપિ. Show all posts
Showing posts with label દેવનાગરી લિપિ. Show all posts

Saturday, April 4, 2009

ણ, ળ જેવા અક્ષરો ભારતીય ભાષામાંથી ગાયબ?

ચોંકાવનારી વાત છે. ગુજરાતી, હિન્દી સહિતની ભારતીય ભાષા, જેનું ગોત્ર સંસ્કૃત ભાષા છે, તેમાંથી અમુક અક્ષરો ગાયબ થઈ રહ્યા હોવાનું ઘણા વખતથી લાગી રહ્યું છે. અને તેનું કારણ છે રોમન લિપિ. રોમન લિપિ એટલે અંગ્રેજી ભાષા જે લિપિમાં લખાય છે તે a, b, c વગેરે.

ભારતભરમાં એક લિપિ ન હોવાના કારણે તેમજ અંગ્રેજી ભાષાના સતત વધતા જતા વર્ચસ્વના કારણે, રોમન લિપિમાં વ્યવહાર વધુ થવા લાગ્યો છે. આનું એક ઉદાહરણ. આજકાલના ફિલ્મ કલાકારોમાંના મોટાભાગનાને હિન્દી સારું નહીં આવડતું હોવાના કારણે તેમને જે સંવાદો આપવામાં આવે છે તે રોમન લિપિમાં આપવામાં આવે છે. એટલે करण લખવું હોય તો Karan લખાય. હવે ‘n’નો ઉચ્ચાર ભારતીય ભાષાઓમાં ‘ણ’ પણ થાય અને ‘ન’ પણ થાય. પરંતુ કોન્વેન્ટિયા કલાકારો ‘ણ’ ઉચ્ચાર જાણતા નથી. (કારણકે ‘ણ’ અંગ્રેજીમાં છે જ નહીં.) આથી મોટાભાગના કલાકારો હવે ‘કરણ’ના બદલે ‘કરન’ જ બોલતા થયા છે. અને માત્ર કલાકારો જ શું કામ? સમાજની સુખાકારી માટે સતત કાર્યરત રહેવાની જેમની ફરજ છે અને સાથે ભાષાની જાળવણીનું પણ દાયિત્વ જેમના માથે છે તેવા પત્રકારોના પણ આવા જ હાલ છે, ખાસ કરીને હિન્દી સમાચાર ચેનલોના પત્રકારોના.

ણ, દ, ળ, ક્ષ, જ્ઞ, ઢ, શ,ષ, સ વગેરે અક્ષરોનાં ઉચ્ચારણો બાબતે પણ આવું જ છે. ‘ણ’ની જેમ ‘ળ’નો પણ ધીમે ધીમે લોપ થઈ રહ્યો છે. ‘ળ’ને અંગ્રેજીમાં લખવું હોય તો ‘l’ લખાય. અને ‘l’નો ઉચ્ચાર ‘લ’ પણ થાય અને ‘ળ’ પણ. પરંતુ અગાઉ કહ્યું તેમ કોન્વેન્ટિયા અને હવે તો, ગુજરાતી કે ભારતીય ભાષાના માધ્યમમાં પણ બરાબર શિખવાડાતું ન હોવાના કારણે ‘l’નો ઉચ્ચાર લ જ કરાય છે.

આમ, હવે ‘ણ’ અને ‘ળ’ જેવા અક્ષરો ઉચ્ચારમાંથી ગાયબ થવા લાગ્યા છે. આ તો થઈ અક્ષરો ગાયબ થવાની વાત. પરંતુ રોમન લિપિમાં લખવાના કારણે પણ ઉચ્ચારોમાં ભારે ગોટાળા થવા લાગ્યા છે; જેમ કે, મારી જ અટક લઈએ. મારી અટક ‘પંડ્યા’ છે. તો તેની અંગ્રેજીમાં જોડણી ‘pandya’ થાય. પરંતુ ગુજરાતની બેંકો કે મોબાઇલ કંપની કે લાઇફ ઇન્સ્યુરન્સ વગેરે પ્રાઇવેટ કંપનીઓ કે આવી કંપનીઓના ગુજરાત બહાર આવેલા કસ્ટમર કેર સેન્ટરોમાંથી આવતા ફોન કે મારે કરવા પડતા ફોનમાં મારી અટક એ લોકો મોટા ભાગે ‘પાંડ્યા’ જ બોલે કારણ કે નામ –અટક વગેરે બધું જ અંગ્રેજીમાં નોંધાયેલું હોય.

મેં ‘સૌરાષ્ટ્ર સમાચાર’ અને ‘દિવ્ય ભાસ્કર’ જેવાં અખબારોમાં પહેલે પાને, અર્થાત્ દેશ વિદેશના સમાચારોના પાને કામ કર્યું છે એટલે ખબર છે કે જે સમાચારોની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે પીટીઆઈ, યુએનઆઇ વગેરે , તે અંગ્રેજીમાં જ સમાચારો મોકલે છે એટલે વ્યક્તિઓનાં નામો,અટક, સ્થળનાં નામો વગેરે અંગ્રેજીમાં હોય. એટલે આવું ‘પંડ્યા’નું ‘પાંડ્યા’ થઈ જાય. હરેન પંડ્યાની હત્યાના સમાચારો વખતે હિન્દી તેમજ અંગ્રેજી ન્યૂઝ ચેનલોમાં ‘હરેન પાંડ્યા’ બોલાતું હોવાનું યાદ છે. (તેમાં તો સ્થાનિક પત્રકારો ફોન કરીને ઉચ્ચારણ સુધરાવી શકે, પરંતુ....) એ જ રીતે ગુજરાતીમાં ‘ધોળકિયા’ અટક છે. પરંતુ બોલતી વખતે તેનું ‘ઢોલકિયા’ કે ‘ધોલકિયા’ થઈ જાય છે.

હવે ગુજરાતી પરિવારની વાર્તાવાળી સિરિયલો વધી છે ત્યારે તેમાં ‘ઢોકળા’ની વાત અચૂક હોય જ. એ ‘ઢોકળા’ બોલાય છે કઈ રીતે? ‘ઢોકલા’ તરીકે! (ઇવન, જેમાં ઘણી બધી રીતે ગુજરાતીપણું સચવાય છે –બતાવાય છે તેવી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં પણ).

આવું વાઇસા વરસા પણ થાય છે. વિશ્વની અજાયબી જેવો તાજમહેલ જ્યાં આવેલો છે તે સ્થળનું સાચું નામ છે ‘આગરા’. પરંતુ સ્પેલિંગ ‘Agra’ના કારણે ગુજરાતીમાં મોટા ભાગે આગ્રા જ લખાય છે. આવું ‘હૈદ્રાબાદ’ (સાચું હૈદરાબાદ), ‘દિલ્હી’ (સાચું દિલ્લી, પરંતુ અંગ્રેજોએ Delhi – ડેલ્હી ઉચ્ચાર કર્યો અને આપણે તેનું દિલ્હી કર્યું), ‘લખનૌ’ (સાચું લખનઉ), ‘કાશ્મીર’ (સાચું કશ્મીર) વગેરે સ્થળોના નામ બાબતે છે. અભિનેત્રી પ્રીતિ ઝિંટાના સ્પેલિંગ પરથી ગુજરાતીમાં ઘણા લોકો તેનું નામ પ્રેટી કે પ્રીટિ લખે છે! (ફિલ્મ કે ટેલિવિઝનના કલાકારો સહિતના અનેક મહાનુભાવો જેને આજકાલ સેલિબ્રિટી તરીકે ઓળખવામાં આવે છે તેઓ પોતાનું ભાવિ સુધારવા અંગ્રેજીમાં સ્પેલિંગ બદલી નાખે છે તેની વાત કરવા માટે તો અલગ બ્લોગપોસ્ટ લખવાનો વિચાર છે. પરંતુ ભાવિ સુધારવા નામનું સત્યાનાશ કરે છે, કેમ કે નામનો કંઈક અર્થ થતો હોય છે પણ સ્પેલિંગ બદલે એટલે ઉચ્ચાર પણ બદલાઈ જાય.) હિન્દી પટ્ટીમાં એક અટક બહુ જોવા મળે છે, ‘મિશ્ર’. પરંતુ સ્પેલિંગ પરથી તેને મોટાભાગના ગુજરાતીમાં ‘મિશ્રા’ જ લખે છે. આવી જ રીતે ગુજરાતીમાં ‘મહેતા’ અટક છે, પરંતુ તેના અંગ્રેજી સ્પેલિંગ Mehta ના કારણે ઘણા એવું માની બેઠા છે કે ગુજરાતીમાં ‘મહેતા’ લખાય ને હિન્દીમાં ‘મેહતા’ લખાય. એટલે હાસ્ય લેખકનું નામ ‘તારક મહેતા’ છે તે આપણને ખબર છે. તેના પરથી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ બની છે તો તેનો સ્પેલિંગ Tarak Mehta Ka Oaltah Chashma (ઉલટાને અંગ્રેજીમાં લખવું હોય તો ‘ulta’ કે બહુ તો ‘oolta’ લખાય તેમાં ‘o’ પછી ‘a’ અને ‘ta’ પછી ‘h’ ક્યાંથી આવ્યા ? કદાચ ન્યૂમરોલોજી-અંકશાસ્ત્રના કારણે!) થાય છે એટલે આ સિરિયલનું નામ ગુજરાતીમાં લખવું હોય તો શું ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ લખવું જોઈએ ? ના. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ જ લખાય.

પણ આપણે, સર્વ રીતે વિદેશથી પ્રભાવિત ભારતીયો અંગ્રેજી સ્પેલિંગ લખવા બાબતે જેટલી કાળજી લઈએ છીએ તેટલી ભારતીય ભાષા બાબતે ક્યાં લઈએ છીએ? ઉપર દર્શાવ્યા તેવા ગોટાળા નિવારવા માટે શું થઈ શકે? એક ભારતીય ભાષાવાળાએ બીજી ભાષાવાળા સાથે વ્યવહાર કરવો હોય ત્યારે, પીટીઆઈ, યુએનઆઇ જેવી સમાચાર સંસ્થાઓ કે સમાચાર ચેનલો સમાચાર મોકલે કે મગાવે ત્યારે સમાચારની લિપિ દેવનાગરી એટલે કે સંસ્કૃત, મરાઠી અને હિન્દી જે લિપિમાં લખાય છે તે દેવનાગરી લિપિમાં લખાય તો આ ગોટાળો નિવારી શકાય. ભારતીય ભાષાઓ જ એવી ભાષા છે જેમાં બોલાય છે તેવું લખાય છે. (હવે તો જોકે બીજી રીતે પણ આ વિધાન સાચું પડે છે. લોકો હવે જેવી ભાષા બોલે છે તેવું જ લખવા લાગ્યા છે.) અંગ્રેજીમાં ‘bridge’માં ‘d’નો ઉચ્ચારમાં જે રીતે લોપ થાય છે તેવું ભારતીય ભાષાઓમાં નથી થતું. એટલે દેવનાગરી લિપિ ભારતભરમાં અપનાવવામાં આવે તો આ ગોટાળો નિવારી શકાય.